વર્ષ ૨૦૦૬માં બિહેવીયરલ સાયન્સ સેન્ટર પ્રેરિત બનાસકાંઠા દલિત સંગઠનના આર્થિક સહયોગથી ભીમડાયરી બહાર પાડવામાં આવી હતી. તેમાં બાબાસાહેબના વિચારોને બાર મહિના પ્રમાણે બાર વિભાગમાં રજુ કર્યા હતા. ગુજરાતના તમામ ખૂણેથી ભીમડાયરીને સુંદર આવકાર મળ્યો હતો. યુવાનો પોતાના વિસ્તારોમાં બ્લેકબોર્ડ પર બાબાસાહેબની ચિંતનકણિકાઓ લખતા હતા. પ્રસ્તુત ભીમવાણીમાં એ જ ચિંતનકણિકાઓ પુસ્તક સ્વરૂપે રજુ કરી છે.
સાઇઠ વર્ષથી બાબાસાહેબના નામે ઘરની ધોરાજી ચાલી છે. ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’ આ સૂત્ર સિવાય બીજુ કોઈ સૂત્ર સાંભળવા મળ્યું નથી. ચૌદમી એપ્રિલે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરીને બાબાનો જયજયકાર કરીને સંતોષ માનવાની પરંપરા ચાલી છે. ગાંધીવાદ, હિન્દુવાદ, કોંગ્રેસ, બ્રાહ્મણવાદ – આ બધા વિષે બાબાસાહેબે શું કહ્યું છે, તેની ભાગ્યે જ વાત થઈ છે. પેલો અંગ્રેજ પત્રકાર રાત્રે બાર વાગ્યે બાબાસાહેબના ઘરે ગયો ત્યારે તેઓ જાગતા હતા, પૂછ્યું કે અરે બાબાસાહેબ તમે કેમ જાગો છો? તો બાબાસાહેબે કહ્યું કે મારો સમાજ ઉંઘે છે, એટલે હું જાગુ છું. આવી વાર્તાઓ કરનારા લોકો કોંગ્રેસ અને ભાજપમાં ઘૂસી ગયા છે. આ એમનો આંબેડકરવાદ છે.
બાબાસાહેબ સરસ વાયોલિન વગાડતા હતા. કવિતા પણ લખતા હતા (પ...ણ સમાજ કલ્યાણના એવોર્ડ માટે તરફડતા નહોતા) કોંગ્રેસના પ્રધાનમંડળમાં હતા, પરંતુ રાજીનામુ આપતા ખચકાયા નહોતા. (માત્ર ભાષણો આપવામાં પ્રવીણ નહોતા.) બાબાસાહેબ અત્યંત ઋજુ, કોમળ સ્વભાવના હતા. મહાપુરુષો તો આવા જ હોય, વજ્રાદપિ કઠોરાણિ, મૃદુનિ કુસુમાદપિ. વજ્ર જેવા કઠોર અને ફુલ જેવા કોમળ. પરંતુ, આપણા માટે મહત્વના છે મહાપુરુષના વિચારો અને તેમની પ્રાસંગિકતા. અને એ પણ એકલ દોકલ વિચારો નહીં, સાંગોપાંગ, સંપૂર્ણ વિચારો.
કેટલાક લોકોને માત્ર બૌધ્ધ આંબેડકર જ ગમે છે. કેટલાકને માત્ર અનામત આપનારા બાબાસાહેબ જ વહાલા લાગે છે. કેટલાકને કોંગ્રેસવિરોધી બાબાસાહેબ ગમે છે - ભાજપમાં જવાની દલીલ માટે. આંબેડકરી વિચારધારાનો મનપસંદ ઉપયોગ અને અર્થઘટન કરતા પહેલાં ભીમવાણીની આ ચિંતનકણિકાઓને કોઈ વાંચશે અને વિચારશે તો અમારો શ્રમ લેખે લાગશે. એટલું જ.
ભીમવાણીના પ્રેરણાસ્ત્રોત આદરણીય વિદ્વાન સખા ડૉ. ગણપત વણકરનો હ્રદયપુર્વકનો આભારી છું.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.